ગુજરાતી ભાષાના પાંચ પગથિયાં છે. આપણી માતૃભાષા ગુજરાતી મૂળ સંસ્કૃતમાંથી આવી. એ યાત્રાના પ્રારંભે સર્વપ્રથમ પ્રાકૃત ભાષા જન્મી. તેમાંથી અપ્રભંશ ભાષા જન્મી. એમાંથી પ્રાચીન ગુજરાતી ભાષા જન્મી. ત્યાર પછી જૂની ગુજરાતીનો આવિર્ભાવ થયો અને તે પછી આજની ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી. નોંધપાત્ર વાત એ છે કે યુનાઈટેડ નેશન દ્વારા મૃતપાય થઈ રહેલી ભાષાની યાદીમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થયો છે. ગાંધીજી કહેતા કે માતૃભાષા છોડવી એ અપરાધ છે.
ડાયાગ્રામથી કહેવું હોય તો આ રીતે કહી શકાય: આ રીતે અન્ય ભાષાઓમાંથી ગુજરાતીનો જન્મ અને વિકાસ થયો છે:
ઇન્ડો-યુરોપિયન (ભાષા-કુળ) < ઇન્ડો-ઇરાનિયન < ઇન્ડો-આર્યન < પશ્ચિમ ઇન્ડો-આર્યન < મધ્યકાળની ગુજરાતી < જૂની (પ્રાચીન) ગુજરાતી < આજની (અર્વાચીન, અદ્યતન) ગુજરાતી
ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક ઈન્ડો-આર્યન ભાષા છે. પરંપરાગતરીતે ૩ ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે ઈન્ડો-આર્યન ભાષાઓ વચ્ચે ભેદ કરાય છે.
જૂની ઈન્ડો-આર્યન ભાષા (વેદિક અને શાસ્ત્રિય સંસ્કૃત)
મધ્યકાળની ઈન્ડો-આર્યન ભાષા (અલગ અલગ પ્રાકૃત અને અપભ્રંશ)
નવી ઈન્ડો-આર્યન ભાષા (આધુનિક ભાષાઓ જેમ કે હિન્દી, પંજાબી, બંગાળી વગેરે)
ગુજરાતી ભાષાને પ્રચલિત રીતે નીચેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓમાં વહેંચવામાં આવે છે: (સમયગાળાઓનો નિર્દેશ કૌંસમાં કરેલ છે):
જૂની ગુજરાતી (ઈ.સ. ૧૧૦૦-૧૫૦૦)
મધ્યકાળની ગુજરાતી (ઈ.સ.૧૫૦૦-૧૮૦૦)
આધુનિક ગુજરાતી (ઈ.સ.૧૮૦૦-અત્યારે)
હવે, ગુજરાતી ભાષાના વિકાસની રૂપરેખા આપું છું. આ ઉત્તર અગાઉ પણ અહીંયા અપાઈ ચૂક્યો છે. તેમ છતાં, ફરીથી કહેવાનું ગમશે. આ માહિતી ગૂગલ પર નાં સ્રોતો પરથી પ્રાપ્ત થઈ છે.
ગુજરાતી ભાષા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહેવાતું નથી. તે આશરે નવસોં વર્ષથી ચાલે છે એમ ગ્રિઅરસન કહે છે. બીમ્સનો મત એવો છે કે કદાચ હિંદની આર્યભાષાઓમાં ગુજરાતીનું અસ્તિત્વ સૌથી જૂનું અને પહેલું છે. સ્વર્ગસ્થ હરિલાલ ધ્રુવ કહે છે કે ગુજરાતી ભાષાની હયાતી સિદ્ધરાજના વખતમાં તો શુ પણ વનરાજના વખતમાં પણ હતી. પંડિત બહેચરદાસ કહે છે કે ગુજરાતી શબ્દ શ્રી હેમચંદ્રના સમયમાં જાણીતો હતો. ઇ. સ. પૂર્વે પાંચમા સૈકાથી ઇ. સ. ના ચોથા સૈંકા સુધીમાં ગ્રીક શક બેક્ટ્રિયન, પાર્થિયન, સિથિયન, આભીર, હૂણ, મૌર્ય અને ક્ષત્રપ લોકો હિંદુસ્તાનમાં આવ્યા. તે વખતે હિંદુસ્તાનમાં પ્રાકૃત બોલાતી હતી. તેઓ આર્ય લોકો સાથે ભળી ગયા અને તેમની બોલી બોલવા માંડ્યા. તેઓએ આર્યોની ભાષા ઉપર અસર કરી હશે. જે શબ્દો સંસ્કૃત કે પ્રાકૃત ઉપરથી નથી બન્યા તે દેશના મૂળ વતની પાસેથી કે આ લોકો પાસેથી મળ્યા છે. જેવા કે, ટીપું, ઝાડ, બોકડો, કડછી, ખડકી, ચણોઠી, ખોળિયું, ગંડેરી, બાબરી ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં ગુર્જરો પંજાબ રસ્તે થઇને ગુજરાતમાં આવ્યા. પંજાબમાં ગુજરાત અને ગુજરાનવાલા એ જિલ્લાઓનાં નામ આ લોકોના નામ ઉપરથી પડ્યાં છે. તેઓએ સાતમાથી દશમા સૈકા સુધી ગુજરાત અને રજપૂતાનામાં રાજ્ય કર્યું. તે વખતે તેઓની ગાદી ભીનમાલ કે શ્રીમાલ હતી. તેઓએ પ્રાકૃત ભાષા ઉપર અસર કરી હશે. તેઓના નામ ઉપરથી ગુજરાત પ્રાંતનો ગુર્જરત્રા કહેલ છે. ગુર્જરત્રામાંથી પ્રાકૃત ગુર્જરત્તા થઈ ગુજરાત શબ્દ બન્યો છે. ગુર્જરોની પછી તરત જ પારસીઓ આવ્યા. તેઓએ પોતાની પહેલવી અને પાજંદ છોડી દઈને ગુજરાતી બોલવી શરૂ કરી. તે વખતે કોઇ કોઇ ફારસી શબ્દો ગુજરાતીમાં દાખલ થયા હોય. ઇ. સ. ના ચૌદમા સૈકામાં અરબ, અફઘાન, તુર્ક અને મોઘલ લોકોની વધારે અસર થવા માંડી આરબોનો સંબંધ હિંદ સાથે ઘણા વખત પહેલાંથી હતો, પણ મુસલમાની રાજ્ય સ્થપાયા પછી તેમની અસર વધારે થઈ. મુસલમાનો આવ્યા પછી ગુજરાતમાંથી સંસ્કૃત ભણવાનો ચાલ ઓછો થયો, તેથી સંસ્કૃતને બદલે ફારસી શબ્દ ગુજરાતીમાં દાખલ થવા માંડ્યા, પણ તે લોકો મૂળ વતની સાથે ભળી. ગયા નહિ તેથી ગુજરાતીનાં અંદરનાં સ્વરૂપ, રૂઢિ કે વાક્યરચના ઉપર કંઈ અસર થઈ નથી. માત્ર થોડા અરબી, ફારસી અને તુર્કી ભાષાના શબ્દ તેમાં મળી ગયા છે. જેમકે, અરબી-અક્કલ , ઈજા, આબેહૂબ, ઉમદા, હુકમ, દુનિયા, ખર્ચ, તકરાર, દલીલ, કુદરત, અફવા, કિસ્મત. ફારસી-વખત, જમીન, દરિયો, હોશિયાર, હવા, હજાર, શેતરંજી, રૂમાલ, કારકુન. તુર્કી-તોપ, બંદૂક, રકાબી, ચાદર, કૂચ, ચાકૂ. મુસલમાની રાજ્યના અમલ દરમિયાન ગુજરાત પ્રાંતિક નામને બદલે મહીના દક્ષિણ સુધીના ભાગને એટલે કે સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધીના દેશને એ નામ આપવામાં આવ્યું. ઇ. સ. ના ૧૭મા સૈકામાં મરાઠીની અસર થવા લાગી. તે અસર પણ ખાસ કરીને બહારની હતી. મરાઠી અને ગુજરાતી શાસ્ત્રીઓની હરીફાઈને લીધે નાઈ એટલે હજામ, સં. નાપિત ઉપરથી, આઇ એટલે મા, સં. આર્યા-અજ્જન-મરાઠી આજી ઉપરથી આપો એટલે બાપ, સં. આત્મન્ ઉપરથી ચિચોડા એટલે આંબલિયા, સં. ચિંચા-મરાઠી ચિંચ ઉપરથી વગેરે ગુજરતીમાં દાખલ થયા. હાલમાં પણ દક્ષિણી બ્રાહ્મણ અને મરાઠા નોકરીને લીધે ગુજરાતમાં વસવાથી મરાઠી શબ્દો દાખલ થતા જાય છે જેમકે, માહિતી, દેણગી, વર્ગણી, ચિટનીસ, દગડ એટલે પથ્થર, મોજણી, ચંબુ, પેઢી, પાન એટલે પાનું, નિદાન એટલે ઓછામાં ઓછું, વાટાઘાટ, ચળવળ કાનડી અસર પણ ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. જેમકે, ગિલ્લીદંડાથી રમતાં વકટ, લેન, મૂઠ, નાર એ શબ્દો વપરાય છે તે કાનડી ભાષાના છે અને તેનો અર્થ એક, બે, ત્રણ, ચાર થાય છે. ડાકોર, આબુ, દ્વારકા, સોમનાથ વગેરે ગુજરાતમાં જાત્રાનાં ઠેકાણાં હોવાથી હિંદી યાત્રાળુઓના ગુજરાત સાથેના સહવાસને લીધે અને કેટલાક હિંદી સાધુઓના અહીં વસવાટને લીધે હિંદી શબ્દો પણ ગુજરાતીમાં દાખલ થયા છે. જેમકે, આટો, કચેરી, ચાવલ, અચ્છું, દામ, બિછાનું, રસી, પત્તો, પઢવું, મિટ્ટી, ફાટક, પસીનો પોર્ટુગીઝ લોકો વેપાર અર્થે ગુજરાત અને કાઠિયાવાડમાં ઇ. સ. ના ૧૫મા સૈકાની આખરમાં આવ્યા. એના સહવાસને લીધે પોર્ટુગીઝ શબ્દો પણ દાખલ થયા. તેને આપણે ઘરગથ્થુ શબ્દની જેમ વાપરીએ છીએ. જેમકે, પાયરી, હાફુસ, પગાર, પાદરી, પિસ્તોલ, મેજ, કાફી, પલટણ ચાવી, તમાકુ, બટાટા, તબેલો, બંબો અંગ્રેજી ભાષાના પુષ્કળ શબ્દો ગુજરાતીમાં દાખલ થયા છે. જેમકે, કલેકટર, રેલ્વે, ગવર્નર, ઓફિસ, બોર્ડિંગ, કંપનિ, ઇંચ, કોટ, નંબર, ટિકિટ પેન્સિલ ફૂટ, બૂટ, ગેલેરિ, ફ્લાસ, કપ, ફિલમ. ગુજરાતી ભાષાના યુગ; પ્રાચીન ગુજરાતીનું સ્વરૂપ હાલની ગુજરાતી કરતાં જુદું હતું એમ તો બધા વિદ્વાનો માને છે, પરંતુ ભાષાના નામ સંબંધે અને વિભાગ પાડવામાં મતભેદ છે. ગુજરાતી ભાષાના એક પશ્ચિમવાસી અભ્યાસક ડો. ટેસિટોરિના માનવા મુજબ નરસિંહ મહેતાના સમયની ભાષાને જૂની પશ્ચિમ રાજસ્થાની, નવયુગના ભાષાશાસ્ત્રી શ્રી નરસિંહરાવના મત મુજબ અંતિમ અપભ્રંશ, જૂની ઘરેડના ભાષાશાસ્ત્રી શ્રી કેશવલાલભાઈના મંતવ્ય પ્રમાણે મધ્યકાલીન ગુજરાતી અને પ્રાચીન ગુજરાતીના અભ્યાસક શ્રી મણિલાલ બકોરભાઈ વ્યાસના મતે જૂની ગુજરાતી ભાષા છે. નવયુગના ભાષાશાસ્ત્રી શ્રી નરસિંહરાવભાઈ નીચે પ્રમાણે વિભાગ કરે છે: (૧) અપભ્રંશ-વિ સંવતના ૯૫૦ સુઘી, (૨) મધ્યકાલીન અપભ્રંશ-વિ. સંવતના ૧૩મા સૈકા સુધી, (૩) અંતિમ અપભ્રંશ-વિ. સંવતના ૧૩મા સેંકાથી સંવત ૧૫૫૦ સુધી (૪) આંરભકાળની ગુજરાતી-સંવત ૧૫૫૦થી સંવત ૧૬૫૦ સુધી, (૫) મધ્ય ગુજરાતી-સંવત ૧૬૫૦થી સંવત ૧૭૫૦ સુધી અને (૬) આધુનિક ગુજરાતી-સંવત ૧૭૫૦થી પછી. જૂની ઘરેડના ભાષાશાસ્ત્રી શ્રી કેશવલાલભાઈ નીચે પ્રમાણે ત્રણ યુગ પાડે છે: (૧) અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી-ઈ.સ. ના દશમા અગિયારમા શતકથી ચોંદમા શતક સુધીનો પહેલોયુગ (૨) મધ્યકાલીન ગુજરાતી-પંદરમાં શતકથી સત્તરમા શતક સુધી અને (૩) અર્વાચીન ગુજરાતી-સત્તરમા શકત પછીનો ભાગ. પ્રાચીન અભ્યાસક શ્રી મણિલાલ બકોરભાઇ સંવત ૧૩૦૦થી ૧૬૦૦ સુધીના અર્થાત્ નરસિંહયુગની શરૂઆતની પહેલાંના એક શતકથી તે નરસિંહયુગ સુધીના સમયને જૂની ગુજરાતીનો કાળ ગણે છે. ગુજરાતી ભાંષના વિશાળ યુગો પાડીએ તો મુખ્ય ત્રણ યુગો આ પ્રમાણે પાડી શકાય: (૧) પ્રાચીન-ઇ.સ. ૧૪મા સૈકા સુધીની ભાષા. (૨) મધ્યકાલીન-૧૪મા સૈકાથી ૧૭મા સુધીની અને (૩) અર્વાચીન-૧૭માં શતક પછીની ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઓગણીસમી સદીની શરૂઆત સુધી તો કવિતા અને ભાષા બંનેનો ઘણે અંશે સરખો છે, કારણકે ભાષામાં તે વખતે કવિતા સિવાય બીજું કશું લખાતું જ નહિ. પ્રારંભથી તે આજ સુધીના વખતના ચાર ભાગ પાડીને તેને તે તે સમયના મુખ્ય કવિનો યુગ એવું નામ આપવામાં આવ્યું છે: (૧) નરસિંહ મહેતાનો યુગ, (૨) પ્રેમાનંદનો યુગ, (૩) નર્મદાશંકર તથા દલપતરામનો યુગ અને (૪) નવીન યુગ. ગુજરાત દેશનો ભાષા સાહિત્યનો ઇતિહાસ જોઇએ તો પાટણમાં રજપૂત રાજ્યની સ્થાપના થતાં દેશમાં નવું પરિવર્તન થયું. એ પરિવર્તનની સાથે જૂની પ્રાકૃત ભાષા પરિવર્તન પામી અને વિશેષ અપભ્રષ્ટ થયેલી અપભ્રંશ ભાષાનો યુગ ચાલતો થયો. એ પછી જયારે પાટણના રજપૂત રાજ્યનો અંત આવ્યો અને નવું મુસલમાની રાજ્ય સ્થાપાયું ત્યારે જૂની અપભ્રંશ ભાષા દબાઈ ગઈ અને નવી પ્રાંતિક ભાષા પ્રવર્તિત થઈ. ફરી પાછો અમદાવાના સુલતાનનો અમલ નષ્ટ થયો અને દિલ્હીના મોગલાઈ અમલની સ્થાપના થઇ ત્યારે ભાષા વધારે પ્રાંતિક સ્વરૂપ ધારણ કરતી થઈ અને હાલના સમયની ગુજરાતી ભાષા ચાલતી થઈ. પાટણના રજપૂત રાજ્યકાળની પૂર્વના સમયની ભાષા તે પ્રાકૃત ભાષા, પાટણના રજપૂત રાજ્યકાળની ભાષા તે અપભ્રંશ ભાષા, અમદાવાદના સુલતાનોના સમયની ભાષા તે જૂની ગુજરાતી ભાષા અને મોગલાઇ રાજ્યકાળ પછીની ભાષા તે હાલની ગુજરાતી ભાષા છે. ગોવર્ધનભાઈ કહે છે તેમ ગુજરાતી ભાષા ઈ.સ. ૧૫૦૦ની સાલ પછી જૈનેતર વિદ્વાનોથી લખાવા માંડી. તેમાં અને જૈનોની ભાષામાં ફેર પડવા લાગ્યો જણાય છે. તેનું કારણ એ લાગે છે કે પંદરમાં શતક પછી જૈનોનું બળ બીજા સમુદાયો ઉપરથી ઘટવા લાગેલું હોવા સંભવ છે. ઇતિહાસ જોતાં પણ વસ્તુપાળ તેજપાળના સમય પછી દિનપ્રતિદિન જૈનોનું જોર રાજસત્તામાંથી ઓછું થયેલું જણાય છે. આમ છતાં જૈન લેખકોએ ગુજરાતી સાહિત્યની સેવા આ શતક પછી પણ ઘણી મોટી બજાવી છે. પંદરમા શતકથી માંડી અઢારમા શતક સુધીના લગભગ ૩૫૦-૪૦૦ રાસો મળે છે. તેની સાથે તેઓના હાથે લખાયેલું ગદ્ય સાહિત્ય પણ ઘણું મળી શકે છે. ડોક્ટર મેકડોનલ પ્રાકૃતની શૌરસેની નામની શાખા ઉપરથી ગુજરાતી થયેલી કહે છે. કેશવલાલભાઈ સાહિત્ય પરિષદના મુંબઈના અધિવેશનના પ્રમુખપદેથી હેમાચાર્યજીના અષ્ટાધ્યાયીના અપભ્રંશને ગુજરાતી કહે છે. ગુજરાતી ભાષાના ઉદ્ભવનો સમય શ્રી કેશવલાલભાઇ આઠમા અને દશમા શતકની વચ્ચે ગણે છે. ગુજરાતી ભાષાની શબ્દસમૃદ્ધિ પણ અનહદ છે નરસિંહ મહેતા જેવા ભક્તિજનોના અંતરના ઉદ્ગાર તે દર્શાવી શકેલ છે. પ્રેમાનંદ કવિ જેવાના સર્વરસના વિચારો પણ તેમાં સમાઇ શક્યા છે. શામળ ભટ્ટની સંસારી હકીકતો ચીતરતી કલમને પણ તે પૂરી પડેલ છે. દયારામ કવિની સૂક્ષ્મ લાગણીઓ પણ તે દર્શાવી શકેલ છે. અખા જેવા તત્ત્વજ્ઞાનીના વિચાર પણ તેણે યથાર્થ રીતે દર્શાવ્યા છે. દેશાભિમાની વીર નર્મદને તેમ જ ભાષાભિમાની સાક્ષર નવલરામને પણ તે ભાષા અધૂરી લાગી નથી. મુક્તાનંદ, બ્રહ્માનંદ વગેરેનો નવા ધર્મનો ગંભીર તથા ઊછળતો જુસ્સો તેમાં બરાબર બતાવી શકાયો છે. નિષ્કુળાનંદનો તીવ્ર વૈરાગ તેની દરેક લીટીમાં સમાઈ રહ્યો છે. ધીરો, દેવાનંદ, ભોજો ભગત વગેરેને પણ તે ભાષા પૂરતી લાગી છે. છેવટે આ વીસમી સદીની નવજીવન રેડતી રાષ્ટ્રીય કલમોને પણ તેણે સંતોષ આપ્યો છે. આ રીતે ગુજરાતી દરેક પ્રકારે સબળ અને સમૃદ્ધ ભાષા છે. નરસિંહ મહેતો, ભાલણ, ભીમ, પ્રેમાનંદ, શામળ અને દયારામ વગેરે અનેક કવિ જે ભાષામાં કવિતા કરી ગયા છે તે સર્વને માન્ય છે. નરસિંહ મહેતો જૂનાગઢી, ભાલણ ભીમ પટણી, પ્રેમાનંદ વડોદરી, શામળ ચરોતરી કે દયારામ રેવાકાંઠી ભાષા લખી ગયો છે એમ કહી ગુજરાતના કોઇ પણ ભાગના લોકો પોતાનું અંધમમત્વ દર્શાવતા નથી અને તે દર્શાવવાનું તેમને કારણ પણ નથી, કેમકે એ કવિઓ પ્રાંતભેદને દૂર રાખી સામાન્ય ભાષામાં જ લખી ગયા છે. આશરે ૭૦૦,૮૦૦ વર્ષ ઉપર આપણું ભાષાઐક્ય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. તે વખતે ગુજરાતમાં જ નહિ પણ પંજાબ, સિંધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉડિયા અને ઠેઠ બંગાળ સુધી એકસરખી જ ભાષા બોલાતી હતી. હાલ પણ એમ કહેવાય છે કે ઉડિયાની ભાષા ગુજરાતીને બહુ જ મળતી છે. રાજપુત્રો, કવિઓ, ધર્મગુરુઓ અને વેપારીઓ એક મુલકમાંથી બીજા મુલકમાં સહેજ કામે આવતા જતા તે પણ ભાષાઐક્ય બતાવે છે, પણ મુસલમાનો આવ્યા અને બીજા ઐક્યની સાથે આપણું ભાષાઐક્ય તૂટ્યું. લોકોનો પરસ્પરનો સહવાસ એટલો બધો બંધ પડી ગયો કે એક પરાગણાના લોકો બીજા પરગણામાં જવાની ભાગ્યે જ હિંમત ચલાવતા. આવી સ્થિતિમાં પ્રાંતભેદે જોર પકડી પોતાનાં ખાસ લક્ષણ ખીલવી ભિન્ન ભિન્ન ભાષારૂપે વિખૂટા થવા માંડ્યું એટલે ગુજરાતી, કચ્છી, મેવાડી, મારવાડી, પંજાબી, વ્રજ વગેરે હાલની ભાષાઓ ઉત્પન્ન થઈ. એટલે, ગુજરાતી ભાષા આ બધી ભાષાઓ સાથે મળતી આવે છે
0 Comments